॥ શ્રી ત્રિકમજી પ્રભુ વિજયતે ॥

શ્રી માણસા તળપદ વિભાગના કડવા પાટીદાર સંચાલિત

શ્રી ત્રિકમજી મંદિર ટ્રસ્ટ, માણસા.

त्रैलोक्यराज्यमिच्छन्द्य बलेरिन्द्राय यो ददौ ।

नमस्तस्यै सुरेन्द्राय सदा वामनरूपिणे ॥

ત્રણ લોક રૂપી અરણ્ય છેદીને, જેમણે બલિ દ્વારા ઇન્દ્રને સ્વર્ગ લોકનું રાજ્ય આપ્યું, એવા દેવાધિદેવ વામનને અમારા નમસ્કાર

—— શ્રી ત્રિકમજી ભગવાનનું માહાત્મ્ય ——

શ્રી ત્રિકમજી ભગવાનનાં અનેક મંદિરો સમગ્ર ભારત વર્ષમાં આવેલાં છે. ત્રિક્રમ - ત્રિવિક્રમ એ ભગવાન વિષ્ણુના પાંચમા વામન અવતારથી પ્રસિદ્ધ છે. જ્યારે ભાગવતમાં ભગવાન વિષ્ણુનો પંદરમો અવતાર ગણાય છે. ઇન્દ્રને પરાસ્ત કરી સ્વર્ગના અધિપતિ બનેલા બલિરાજાના ત્રાસથી વિશ્વને મુક્ત કરવાની બ્રહ્મા સહિત ઇન્દ્રાદિ દેવોની વિનંતીથી, ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપે ત્રણ પગલાં જમીનનું બલિરાજા પાસેથી દાન મેળવ્યું. પ્રથમ પગલે પૃથ્વી, બીજે પગલે સ્વર્ગ સમેત આકાશ માપી, ત્રીજા પગલામાં તો બલિને સુતળ નામના પાતાળમાં ચાંપી દીધો. વામન રૂપે આ વિરાટ કાર્ય કરવા ભગવાન વિષ્ણુ કશ્યપ મુનિ અને અદિતિના પુત્ર તરીકે ભાદરવા સુદ ૧૨ ના રોજ પ્રગટ થયા હતા. ત્યારથી આ તિથિ "વામન દ્વાદશી" તરીકે ઉજવાય છે. વામન પુરાણમાં વામનના ૧૨૧ આશ્રમોનો ઉલ્લેખ છે. જે સમગ્ર ભારતમાં તેમની પૂજા - પ્રતિષ્ઠા થતી હોવાનું સૂચવે છે. બિહારના બક્સર ગામમાં ભગવાન વામનનો આશ્રમ અને કુરુક્ષેત્રમાં વામનનું પ્રખ્યાત મંદિર અત્યારે પણ હયાત છે.

શ્રી માણસા તળપદ વિભાગના કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી ત્રિકમજી ભગવાનના મંદિરમાં થતી શ્રી ત્રિકમજી ભગવાનની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા સૌનાં સુખ, શાંતિ, આબાદી અને ઐશ્વર્યમાં વધારો કરે તેવી શુભેચ્છા સહ – જયશ્રી ત્રિકમજી.